પ્રકરણ ૨- ઉદ્ગાર | રાત્રીની શોધમાં
પ્રકરણ ૧- સ્ટેશન પ્રકરણ ૨- ઉદ્ગાર | રાત્રીની શોધમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩, મંગળવાર શિથિલ ડગલાઓ ભરતો પવન આખરે ડબ્બાના દરવાજા સુધી પોહચ્યો, અને બે ઘડી ત્યાજ સ્થિર થઈને સાક્ષીરૂપી રાત્રિને ધરાઈને નિહાળવા માંડ્યો. આ એજ રાત્રિ હતી જેણે ૯ વર્ષ પૂર્વે પણ બસ સાક્ષી જ પૂરી હતી; એજ કાજળથી ઘેરી કાળાશ, એજ પતંગિયાને પણ હરાવે એવી બેચેની, અને એજ શ્મશાનમય શાંતિની ગરજ પૂરી પાડે એવી એની ગંભીરતા, આ રાત્રિ આજે બધું જ જાણે ફરીથી ઘટિત કરી રહી હતી. શબ્દો ન હતા તેની પાસે, અવાજથી રંક, પણ રાત્રિ આજે તે માનવરૂપી પવનને ઘણું બધું કેહવા માટે કાગડોળે જાણે રાહ જોઈ રહી હતી. અને પવન! એ તો જાણતો જ હતો કે જેમ જેમ તેનાં ડગલાઓ રાત્રિનાં અસ્તિત્વમાં નલિયાની ધરતી પર પડતા જશે એમ એમ આ રાત્રિ તેની સાથે એક સુંદર પણ મંત્રમુગ્ધ કરીદે એવી નાયિકાની જેમ ચાલતી રેહશે, અને તેને એ બધુજ સ્મરણ કરાવશે કે જે એ કયારેય ભુલ્યોજ ન હતો, પણ સાથે યાદ પણ કરવા ન હતો માંગતો. પણ આતો રાત્રિ હતી, હજુય બીજા બે થી અઢી કલ્લાક તો પવનનો હાથ ક્યાં છોડવાની હતી! આમ તો આ રાત્રિ જ હતી જે તેની પ્રાણપ્રિય હતી, એજ તો તેને આટઆટલા વર્ષો બાદ આશરે એક હજાર કિલોમીટ...