પ્રકરણ ૨- ઉદ્‌ગાર | રાત્રીની શોધમાં

પ્રકરણ ૧- સ્ટેશન

પ્રકરણ ૨- ઉદ્‌ગાર | રાત્રીની શોધમાં


૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩, મંગળવાર


શિથિલ ડગલાઓ ભરતો પવન આખરે ડબ્બાના દરવાજા સુધી પોહચ્યો, અને બે ઘડી ત્યાજ સ્થિર થઈને સાક્ષીરૂપી રાત્રિને ધરાઈને નિહાળવા માંડ્યો.  

text image

આ એજ રાત્રિ હતી જેણે ૯ વર્ષ પૂર્વે પણ બસ સાક્ષી જ પૂરી હતી; એજ કાજળથી ઘેરી કાળાશ, એજ પતંગિયાને પણ હરાવે એવી બેચેની, અને એજ શ્મશાનમય શાંતિની ગરજ પૂરી પાડે એવી એની ગંભીરતા, આ રાત્રિ આજે બધું જ જાણે ફરીથી ઘટિત કરી રહી હતી. શબ્દો ન હતા તેની પાસે, અવાજથી રંક, પણ રાત્રિ આજે તે માનવરૂપી પવનને ઘણું બધું કેહવા માટે કાગડોળે જાણે રાહ જોઈ રહી હતી. અને પવન! એ તો જાણતો જ હતો કે જેમ જેમ તેનાં ડગલાઓ રાત્રિનાં અસ્તિત્વમાં નલિયાની ધરતી પર પડતા જશે એમ એમ આ રાત્રિ તેની સાથે એક સુંદર પણ મંત્રમુગ્ધ કરીદે એવી નાયિકાની જેમ ચાલતી રેહશે, અને તેને એ બધુજ સ્મરણ કરાવશે કે જે એ કયારેય ભુલ્યોજ ન હતો, પણ સાથે યાદ પણ કરવા ન હતો માંગતો. પણ આતો રાત્રિ હતી, હજુય બીજા બે થી અઢી કલ્લાક તો પવનનો હાથ ક્યાં છોડવાની હતી!

આમ તો આ રાત્રિ જ હતી જે તેની પ્રાણપ્રિય હતી, એજ તો તેને આટઆટલા વર્ષો બાદ આશરે એક હજાર કિલોમીટર દૂર મુમ્બઈથી ભારતનાં છેક સૌથી પશ્ચિમે આવેલ એકાંતમય એવા નલિયા સ્ટેશને ખેચી લાવી હતી. જરૂરથી કશૂક તો હતું આ રાત્રિમાં! પણ હતું શું? તે જે પણ હતું પવન તેને બરાબર જાણતો હતો, અને આથી જ, બસ પળવારમાં તે આ રાત્રિ સાથે મીઠી બાથ ભીડવા તૈયાર પણ હતો.

ટ્રેનના રઘવાયા એન્જિને હવે ધીરેથી તેનું આધિપત્ય જમાવતી નીરવતાને ફરી એક વાર વખોડી કાઢી અને સ્ટેશન પરના મુસાફરોને જાણે હાંકલ કરતુ હોય એમ એક આખરી પડદાફાળ સિટી મારી. ટ્રેનનાં ડબ્બામાથી ઉતારનાર પવન આખરી મુસાફર હતો, અને હવે સ્ટેશન પર તેના સિવાય અન્ય કોઈ ન હતું. તેણે ડબ્બો છોડ્યો અને કાંડે પહેરેલ ઘડિયાળ માં એક નજર નાખી; ત્રણ વાગવામાં બરાબર પાંચ મિનિટની વાર હતી. પોતાની અસ્વસ્થતાને ખંખેરતા તેની બેગપેકમાંથી પાણીની એક બોટલ કાઢી, એક ઘૂંટડો માંડ્યો, અને રણની માટીની જેમ શુષ્ક પડેલ પોતાના ગળાને તેના તપન માંથી મુક્તિ અપાવી. એક ટૂંકો શ્વાસ ભરતા જાણે રાત્રિનાં કટાક્ષને એ સાંભળી ચુક્યો હોય એમ એક નજર તેણે ઉંચે આકાશ ભણી નાંખી. વાદળવિહોણા આકાશમાં તેણે કશુક ગોતવાનો પ્રયાશ કર્યો, પણ બસ થોડી જ ક્ષણોમાં એ આતુર નજરો થાકીને સ્થિર થઈ ગઈ. તે જે ગોતી રહ્યો હતો તે તેને ન મળ્યું, અને આ સંભાવનાનો તેને મનના એક ઊંડાણમાં સહેજે અંદાજ પણ હતો જ. 

રાત્રિની આ ચલાકિને હવે પવન મનોમન સમજી ગયો હતો; કાળા આકાશની સામું એકીટશે જોતા એક પડકારરૂપી  પણ અતિ નિમ્ન એવું સ્મિત તેણે તેના ચેહરા પર આલેખ્યું, જોકે આ સ્મિત ક્ષણવાર પણ ન ટક્યું.  

“તો આજે અમાસ છે!”, તેણે રાત્રિને પૂછ્યું. 
“હા, પવન, આજે પણ અમાસ છે”, રાત્રિ એ વાચાહીન થઈ જવાબ આપ્યો. 
“હા! કેમ ના હોય વળી”, સામે પવને પણ કટાક્ષ વર્ણવ્યો. “તને તો બધી ખબર જ છે, નઈ?”
બસ રાત્રી હવે ચુપ થઈ ગઈ, જાણે હવે તે નાયકની તેની સાથે બાથ ભીડવાની જિદ્દને પારખી ના ગઈ હોય! 

પવને દાંત ભીંસ્યા, નજરો નીચે કરી, અને એક માત્ર પ્લેટફોર્મ ધરાવતા નલિયા સ્ટેશનનાં મુખ્ય ઈમારત તરફ પગલા માંડ્યા. તેણે જોયું કે દરવાજે કોઈ જ ટિકેટ-ચેકર ન હતું; અલંકારિત રીતે, અલખ ગીરધારીના દરબારની જેમ બસ આ ઈમારત એક સરકારી સ્મારક સમાન જ હતું. તેણે પાણીની બોટલ અંદર મૂકી, બેગપેક બન્ને ખભે ચઢાવી, અને ભારે મન અને ડગલાઓ સાથે ઇમારતમાં પ્રવેશ્યો.     

ખખડધજ દિનબંધુને પણ શરમાવે એવું આ ઇમારત ભીતરથી નામ માત્ર એવો ભૂરો પ્રકાશ પાથરતુ હતુ. રંગહીન થયેલી સરકારી સૂચનાઓ, ભીત પર કાળો રંગ મારીને બનાવેલું નોટીસ બોર્ડ કે જેના પર ધૂળ નજાણે કેટલા વર્ષોથી જામી ગયેલી હતી, જીર્ણશીર્ણ થઈને માંડ માંડ સેવા પૂરી પાડતા હોય એવા પત્થરનાં બે બાકડાઓ, ક્યાંક નવા તો ક્યાંક જુના એવા રહી સહી દીવાલોને ઢાંકીને ગૂંગળાવતા ફિલમનાં પોસ્ટરો, નીડરતાથી આગંતુકોને પાઠ ભણાવતા કુટુંબ નિયોજનનાં ભીતચિત્રો, અને સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે જ ઉપર ઝબૂકાઓ ભરતી એકાદ સ્ટ્રીટ લાઈટ, આ બધું જ સ્ટેશનનાં ઘડપણને ચોક્કસપણે ન્યાય આપતું.

સીધી નજરે આમતો પવનને સ્ટેશન ખાલીખમ જ જણાયું, અને આમ પણ ૯ વર્ષ બાદ તેને અહી આવકારે એવું કોઈ હતું પણ નહિ. જાણકાર તો તે હતો જ કે આખા ગુજરાતમાં શિયાળાનું સૌથી ઠંડુગાર ગામ એટલે નલિયા, પણ પવને પેહરેલો ઘેરા મરૂન રંગનો મોંઘો દાટ કોટ તે બિનઆમંત્રિત ઠંડકને હાથતાળી આપવા માટે પુરતો હતો. અંદર પેહરેલ સફેદ રંગનો લિલનનો વૈભવી શર્ટ, નીચે ઘેરા બદામી રંગનુ ડેનિમ પેન્ટ, ચેહરા પર આબેહુબ અંગ્રેજી ફિલમ હેરી પોટરના નાયક જેવા ચશ્માં, અને પગમાં સંપૂર્ણ વિરોધાભાસ પેદા કરે એવા પીળા રંગના સ્પોર્ટશૂઝમાં પણ ૩૧ વર્ષનો પવન એક સમૃદ્ધ અને જ્ઞાની વયસ્ક જણાતો હતો.

રાત્રિ હજુ શેષ હતી, નલિયા ૭ કિલોમીટર છેટે હતું, સામે માર્ગ સીધો પણ અંધારમય હતો, અને પવનને ગામ સુધી પોહચાડે એવું એક વાહન માત્ર પણ હવે ત્યાં ન હતું. હતુ તો સ્ટેશન બહાર એક ખૂણામાં સુસ્ત પડેલ બળદવિહોણું ગાડું!

એક ઊંડા નિસાસા સાથે પવને માર્ગ કાપવાની શરૂઆત આદરી, કારણકે હવે રાત્રિ વાતો કરશે, સાથે ચાલશે, અને પ્રશ્નો પણ પૂછશે. હજુ તો માંડ એક ડગ માંડ્યો હશે પવને ત્યાં તો આશ્ચર્યચકિત કરી દેતા તે સંબોધને તેને ત્યાજ થીજાવી નાખ્યો. 

“પવન કવિરાજ આચાર્ય?” ખિન્ન અવાજ તેના કાને પડ્યો, અને હજુ તો તે પાછળ ફરે એ પેહલા તે ફરી ઉદ્‌ગાર પામ્યો. “નિશા તો હવે નહી મળે!”       

વધુ પ્રકરણ ૩ માં 


 

Comments

  1. Interesting, Waiting for ch 3

    ReplyDelete
  2. Amazing...!! Vanchta vanchta aakhu drashya aankho ni same j ubhu Thai gayu. Station nu detailing khub j adbhut che. Shabdo varta ne ek solid grip sathe agad vdhari rhya che..

    Waiting for next chapter..

    ReplyDelete
    Replies
    1. Thanks 🙏🏻 ur words are too inspirational, dear Dr Herat

      Delete

Post a Comment

Popular Posts

પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં

A Guide to Minimalism | What to Keep and What to Let Go

How Much Is Enough Money | The Fine Line Between Happiness and Greed!