૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩
૯ વર્ષો બાદ પણ નિશા અને પવનના પ્રણયકાળનો એકમાત્ર સાક્ષી એવો મનોહર ભૂતકાળના પડછાયામાં એવો તે ખોવાયો હતો કે પવનની સાથે વાતો કરતા કરતા સવાર ક્યારે તેની કેબિનમાં બારી સોંસરવી પ્રસરી ગઈ તેની તેને ખબર જ ના રહી. તીક્ષ્ણ ટાઢની સાથોસાથ સૂર્ય કિરણો એ ધીમેથી દિવસની વધામણી કરી કે તુરંત જ મનોહરને ભાન થયું કે સ્ટેશન માસ્ટર તરીકેની તેની શિફ્ટ બસ હવે પૂરી થઈ ગઈ હતી.
 |
| image credit: AI generated Image by Copilot Designer Software of Microsoft |
પ્રકરણ- ૫: મનોહર | રાત્રિની શોધમાં
ગત રાતની અમાસની ઊંડી આળસ મરોળતું સ્ટેશન હવે અજાણ સંવાદોથી જાગી રહ્યું હતું, સ્ટેશનની ચહલ-પહલ માં જૂજ વધારો જણાતો હતો, અને ઘોર અંધાર રાત્રિની વિદાય બાદ દિવસ સફાળે બેઠો થયો હોય એમ તેનું સામ્રાજ્ય બિછાવવા બેબાકળો હતો. સુવાનો વારો હવે માનવનિર્મિત પ્રકાશનો હતો, ક્યાંક ટ્યુબલાકડી તો ક્યાંક ગોળા બસ મૂર્છિત બની જ રહ્યા હતા. ચકલીઓ, પોપટ, તો ક્યાંક કાબર, તો વળી ઘૂ-ઘૂનો અવાજ કરતા કબૂતરો પોતપોતાના માળાઓ મુકીને સ્ટેશનની આરપાર વાયુ ગતિએ ભ્રમણ કરતા જણાયા, ત્યા તો સ્ટેશન બહાર પાટા પર અતિ પાંખો એવો ધુમ્મસનો પટ્ટો આંટા મારતો પણ જણાયો.
દિવસ ઉગી તો ગયો હતો પણ પવનના મનમાં તો હજુ રાત્રિ જ હતી. ૯ વર્ષ પૂર્વે નિશા સાથે આચરેલ હળાહળ અન્યાયનો પ્રાયશ્ચિત કરવા અને જો પ્રારબ્ધ હામી ભણે તો તેને પામવા જ તે તેની કાકરાપારની મુલાકાત ના સવા મહિના અગવથી નલિયા આવી ગયો હતો. બસ આજ તો હતી રાત્રિની (નિશાની) તેની શોધ! તેને હતું નિશા હજુય નલિયામાં જ હશે, પણ તે હાલ ક્યાં છે તેની ખબર તો મનોહરને પણ ન હતી. મનોહરના જણાવ્યા અનુસાર પ્રણયના અંતનાં માત્ર ૬ મહિનામાં જ નિશાનું સર્વસ્વ વિનાશ પામ્યું હતું; છેલ્લા પંદર વર્ષથી માં વિહોણી નિશાનો એક માત્ર આધાર એવા તેના પિતાને કેન્સરની બીમારી એ હણી લીધા, બીમારીએ એવો તો બંડ પોકાર્યો હતો કે તેનું ઘરબાર બધું વેચાઈ ગયું, અને નિરાધાર બનેલી નિશાને આખરે રોટલો અને ઓટલો મળી રહે એ હેતુથી કચવાતા મને તેને ડુંગરપૂર, રાજસ્થાનના એક રહીશ કુટુંબમાં જન્મજાત મૂંગા એવા યુવક સાથે વેવિશાળ આદર્યા. નસીબના ઘા જાણે હજુ માંડ રુઝાવાની શરૂઆત કરતા જ હતા કે લગ્નના ૧ જ મહિનામાં નિશાને તેની સાસરીમાંથી પણ જાકારો મળ્યો. બસ ત્યાર બાદ છેલ્લી વાર, નિશાને કોઈએ શ્રીનાથજી મંદિરે માધવને નમન કરતા જોઈ હતી.
દસ મિનિટ બાદ મનોહર અને પવન હવે પ્લેટફોર્મ પર ઉભા હતા. પવને તેની કાંડા ઘડિયાળમાં ફરી એક નજર નાખી; સાડા સાત! મનોહરને જાણ જ ના રહી ક્યારે પશ્ચિમ માંથી અમદાવાદ ભણી જનાર ટ્રેનની રાહ જોતા જોતા પવનની આંખો માંથી ધડ ધડ આંશુંઓ વેહવા લાગ્યા, પણ ક્ષણ બાદ જ પવનના ધ્રુસ્કાઓનો કરૂણ આલાપ મનોહરના કાને પડ્યો. પણ મનોહર હજુય કશુ જ ના બોલ્યો. સ્વ પ્રત્યેનો ધિક્કાર અને શરમથી એક તરફ મોહ ફેરવીને નિશાના દર્દને પવન હવે જાણે પ્રત્યક્ષ રીતે અનુભવી રહ્યો હોય તેમ તે રડતો રહ્યો અને તેનો મિત્ર તેને જોતો રહ્યો. સમયના કાંગરે પંકાયેલા આ દુખનું વેહવું જરૂરી હતું, તે મનનું ખાલી થવું જરૂરી હતું! મનોહરે બસ તેના મિત્રનાં ખભે હાથ ફેરવ્યો અને વિષાદના શાંત થવાની રાહ જોતો રહ્યો. આખરે ધ્રુસ્કાઓ શમ્યા તો ખરા, અને પવને પોતાની જાતને સ્વસ્થ કરી.
“એક વાર જતા પેહલા નલિયાની અંધારી રાતોને મળી તો લેવુતું, પવન”, મનોહરે હળવેથી કહ્યું. “નિશા તો ન મળી પણ તેની યાદો, ક્યાંક એકાદ કાલ્પનિક ઝાંખી, કે તેનો અવાજ સંભળાઈ જાય તને”. પવન મુક રહ્યો અને તેની સામે જોયું. “આમ પણ આ રાતો જ તો છે જે તમને બન્નેને, અને થોડી ઘણી મને ઓળખે છે. કદાચ... એને ખબર હોય નિશા ક્યાં છે”.
પોતાનો અશ્રુભીનો હાથરૂમાલ ખિસ્સામાં મુકતા પવને જવાબ આપ્યો, “મનોહર, આ રાત્રિને ચોક્કસ ખબર છે નિશા ક્યા છે, પણ તે મને કેહશે નહી. નિશાની જેમ મેં તેને પણ અન્યાય કર્યો છે. હું આવીશ, પણ હવે નિશાની સાથે જ આવીશ, અને ફરી આજ રાત્રીઓ તેની સાક્ષી હશે”.
“પણ તું તેને ગોતીશ કેવી રીતે?” મનોહરે પૂછ્યું. “અને મળીશ તો તેને કહીશ શું?”
“હાલ તો મારા ઘરે જઈશ, અમદાવાદ, અને પછી રાજસ્થાન”, પવને દ્રઢ અવાજે કહ્યું. “મારી પાસે હજુય સવા મહિનો છે. અને જો મને તે નહિ મળે તો...”
“તો...”
“પાછો કદી મુમ્બઈ નહિ જાઉં”, પવને મનોહરની આંખમાં આંખ નાંખીને કહ્યું. “બસ જીવનભર તેને શોધતો રહીશ”
મનોહર હજુ કશું બોલે તે પેહલા ટ્રેનની ગગનફાળ સિટી વાગી, અને બીજી જ ક્ષણે ટ્રેન પ્લેટફોર્મ પર હતી. પવન મનોહરને ગળે વળગ્યો અને ધ્રુજતા સંવાદે બોલ્યો, “મને માફ કરજે, મનોહર. મેં તારો વિશ્વાસ પણ તોડ્યો છે. નિશા તારી બહેન સમાન હતી”. આજ આખરી સંવાદો સાથે પવન ફરી ટ્રેનનાં કોચ માં ચઢી ગયો. તુરંત જ ટ્રેને ગતિ પકડી અને મનોહર ધુમ્મસમાં વિલીન થતી તે ટ્રેનને એકીટશે જોતો રહ્યો, પણ આંખો તો આખરે તેની પણ ભીની હતી.
#અરજી
૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩
અંજાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ગોસ્વામીએ એક પિતૃક નજરે નિશાની સામે જોયું, “બેટા, નિશા, સવા મહિનાની રજા? બધું બરાબર તો છે ને?”
“જી, સાહેબ, બધું જ બરાબર છે”, નિશાએ સહજ રીતે જવાબ આપ્યો. “કોઈ તકલીફ નથી”.
“તો આટલી બધી રજાઓ, અને તે પણ એક સાથે?” મેડીકલ સુપ્રિટેન્ડન્ટ જવાબની આશાએ તેની સામે જોતા રહ્યા. “હું જાણું છું ત્યાં સુધી જ્યારથી તું ફરજ પર હાજર થઈ છું ત્યારથી આજ દિન સુધી તે એક પણ રજા નથી ભોગવી. અલબત, તેહાવારો માં પણ તે દર્દીઓ માટે દવાખાનું ખુલ્લું રાખેલ છે. અને અચાનક સવા મહિના માટે તું રજાની અરજી આપે છે?”
“માફ કરશો, સાહેબ, પણ એક અંગત કામ છે”, નિશાએ નીસાશો નાખતા કહ્યું.
“તારા આ અંગત કામમાં હું કાઈ મદદ કરી શકું?” ડો. ગોસ્વામીએ આશ્વાસન સાથે પૂછ્યું. “ચોક્કસ કેહજે, તારા જેવી કર્તવ્યનિષ્ઠ તબીબને કાઈ પણ મદદ કરવી એ વાતથી હું ગર્વ અનુભવું છું”.
“આભાર, સાહેબ, કાઈ હશે તો ચોક્કસ કહીશ. પણ હાલ તો મારે બસ સવા મહિના માટે રજા જોઈએ છે”.
“કેમ નહી, ગઈ રાત્રે જે રીતે તે કસુવાવડનો કેસ સાચવ્યો છે અને તે સ્ત્રીને જે જીવનદાન આપ્યું છે તેના માટે તું આ રજાઓ માટે સંપૂર્ણ હકદાર છે”, ડો. ગોસ્વામીનાં સ્વરોમાં આછો આનંદ વર્તાયો. “લે, હું તારી રજાઓ મંજુર કરું છું”. કેહતા, ડો. ગોસ્વામીએ કાગળ નિશાના હાથમાં આપ્યો.
“આભાર, સાહેબ”, નિશાએ નજીવા સ્મિત સાથે કાગળ સ્વીકાર્યો. “હું સમય પર હાજર થઈ જઈશ”. એટલુ કહી નિશા પાછળ ફરી અને ડો. ગોસ્વામીની ઓફિમાથી નીકળવા ડગ માંડ્યા. પણ બીજી ક્ષણે જ ફરી નિશાએ ડો. ગોસ્વામીનો અવાજ સંભાળ્યો. “બેટા, નિશા?”.
“જી, સાહેબ?” નિશાએ ડો. ગોસ્વામી તરફ ફરતા જવાબ આપ્યો.
“મારે પૂછવું નાં જોઈએ પણ મને તું ઘણી અસ્વસ્થ જણાય છે. તારી આંખોની લાલાશ કહે છે કે ગઈ કાલે રાત્રે સુતી નથી કે શું?”
“અરે ના, સાહેબ, તે કસુવાવડનો કેસ રાત્રે મોડા આવ્યો હતોને માટે થોડી આંખો અસ્વસ્થ લાગે છે”, નિશાથી માંડ માંડ જૂઠું બોલાયું.
“તો સારું”, ડો. ગોસ્વામીએ પેન ટેબલ પર મુકતા કહ્યું. “પણ આટલા બધા દિવસ ક્યાંય જઈ રહી છે કે શું, બેટા?”
નિશાના મને હજાર પ્રયત્નો કર્યા કશું ન કેહવાના, પણ ૬૦ વર્ષીય પિતા સમાન ડોક્ટરને તે જૂઠું નાં બોલી શકી. આખરે એક ઊંડો શ્વાસ ભર્યો અને કહ્યું, “હા, સાહેબ, નલિયા જાઉં છું...”
આપને જો આ પ્રકરણ ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી આપશો.
ઉપરાંત, અગાઉ નાં ચાર પ્રકારનો ચોક્કસ પણે વાંચશો જેથી વાર્તાણે સ્પષ્ટરીતે સમજી શકાય.
Please post in English also
ReplyDelete