પ્રકરણ ૪- બીજુ કાર્ય | રાત્રિની શોધમાં
૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩
પશ્ચિમમાં રાત્રિના અંધકારમાં દ્રશ્યહિન બનેલો લખપતનો દરિયો જાણે નિશાને ઓળખી ગયો હોય તેમ તેના આગમનને માણવા માંડ્યો. વળી, તે એવો તો રઘવાયો થયો કે બસ વધુ ને વધુ ઘુઘવાટા કરવા માંડ્યો, જાણે કે પોતાના અસ્તિત્વને નિશાના કાન સુધી યેનકેન રીતે પોહચાડવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યો હોય. પણ નિશાનાં કોમળ હૃદયમાં ઉદ્ભવેલ યાદોનો વંટોળ એવો તો ત્રીવ હતો કે અસીમ દરિયાનો તે ઘુઘવાટ હાલ તો પાંગણો જ જણાતો હતો. જોકે દરિયો તેની આ વ્યથા ભલીભાંતિ જાણતો હતો; નવું ન હતું નિશાનું આ રીતે અસ્વસ્થતામાં વિસરવું. આ તો તેની રોજનીશી હતી! દરરોજ થોડા ક્ષણો તો ચોક્કસ પણે આવતા જ્યારે નિશા એક મુરત બની જતી, સ્થિર આંખો માંથી વેહતા અશ્રુ હૃદય સોસરવા નીકળતા, અને તેનો અતૃપ્ત આત્મા પવનને એવો તો ઝંખતો કે એક સમયે દરિયાને પણ ઈર્ષ્યા આવ્યા વિના ના રહે. અને બસ આ તેજ સમય હતો.
પ્રકરણ ૪- બીજુ કાર્ય | રાત્રિની શોધમાં
છેલ્લા અડધા કલાકથી નિશા બસ આમ જ અબુધ્ધ હતી, પલંગ પર આશરે દસ થી બાર પુસ્તકો તેની આજુબાજુ પથરાયેલા હતા કે જેનો લેખક પવન જ હતો, નજીકમાં ટેબલ પર એક છાપુ ચત્તું પડેલ હતું અને તેના પર પડતા ઝાંખા સફેદ પ્રકાશમાં દેખાતો એક લેખ હતો કે જે નિશાની આ પીડાનું કારણ બની રહ્યો હતો. દેખીતીરીતે, આજે તેના અશ્રુ સુકાતા નોહતા. પણ શા માટે? છેલ્લા ત્રણ વર્ષથી તે આમ જ તો કરતી હતી; પુસ્તકોના પન્નાઓની મહેક થકી પવનને સ્પર્શવો અને છાપામાં તેના દ્વારા પ્રકાશિત થતા લેખ થકી તેની સાથે એક તરફી વાતો કરવી, અને ત્યાર બાદ, બસ મન ભરીને રડવું. આ બે કાર્યો જ તેના જીવન હતા, બાકી એક તબીબ થવું તો માત્ર તેના અને પવનની વચ્ચે નવ વર્ષ પૂર્વે થયેલ હસ્તક્ષારહીન સમજૂતી કરારની એક શરત નિભાવવા જેવું હતું. તે જાણતી હતી પવન હવે ક્યારેય પાછો નહી આવે, પણ નલિયામાં અવતરેલ તેમના પ્રણયની યાદો તો રોજ આવતી, અને કદાચ આવતી રેહશે જ. એક રીતે નિશાએ આ જીવન સ્વીકારી લીધેલ, સથવારો ભલે ના હોય પણ શ્વાસ તો જરૂર હતા. પવન ન હતો તે તેના જીવનનું તરસ્યું સત્ય હતું અને જેની અનંત ચાહના તે સ્વીકારી ચૂકી હતી, પણ આજે રાત્રે તેણે મૃગજળ જોયું!
છાપું ગઈ કાલનું હતું, બરાબર અમાસનાં દિવસનું, અને તેમાનો તે લેખ પણ! જોકે આજે તેમાં એક લેખ નહિ પણ જાહેરાત હતી, લખ્યું હતું “તેજસ્વી અને યુવાઓના પ્રેરણા સમાન, ગુજરાતના ગૌરવ એવા શ્રી પવન કવિરાજ આચાર્ય, ન્યુક્લિયર વિજ્ઞાનશાસ્ત્રી ૩૧ માર્ચ ૨૦૦૩ નાં રોજ કાકરાપાર એટોમીક પાવર સ્ટેશનની મુલાકાતે”. અને સાથે હતો પવનનો વર્તમાન સમયનો જાજરમાન એવો ફોટોગ્રાફ.
નિશા એ ફરી એક નજર ટેબલ પર નાંખી અને પોતાના પવનને જીવ ભરીને જોયો. મનમાં પોતાની જાતને હજારો વાર સમજાવી કે “આશા ના રાખ, તેને તું યાદ નથી હવે. તે તારા માટે અહી નથી આવ્યો! ના, તે તને નહિ જ મળે?”. પણ હૈયું હવે બળવો પોકારી ચુક્યું હતું, ધીરજ નાં બાંધ તૂટી ચુક્યા હતા, અને તરસ્યું હવે રેહવાય એમ ન હતું. નિશા એ છાપું ઉઠાવ્યું અને ઉમળકા ભેર હૈયે ચપોચપ એવું તો ચાંપ્યું કે શાંત અશ્રુઓની પીડા ધ્રુશ્કાઓ ના આક્રંદમાં વિલીન થઈ ગઈ.
આશાઓના અંતિમ-સંસ્કાર કરી દીધા બાદ નિશાને ફરી એક વાર જનમવા જેવું થયું, જાણે મૃગજળ હવે વધુ નજીક જણાયું. શું કરવું? ઊંડી તરસ સાથે મૃગજળને પામવા વધુ તરસ્યુ થવું કે તે તો મૃગજળ છે એમ સમજીને તેને જતું કરવું? મન, મસ્તિસ્ક, અને હૈયે વંટોળ કઈક એવો તો જામ્યો હતો કે ક્યારે તેના દરવાજે બાજુના ક્વાર્ટરમાં રેહતી નર્સ બહેને એક પછી એક દસ્તકો લગાવી તેનું નિશાને ભાન જ ન રહ્યું.
“ડોકટર બહેન, દરવાજો ખોલો”, નર્સ બહેને ઊંચા અવાજે બૂમ પાડી. “ઈમરજન્સી છે, એક સગર્ભા માતા છે, વીસ અઠવાડિયા, બહેન...” તેણે ફરી બૂમ પાડી.”... તેને લોહી વહી રહ્યું છે. ઉતાવળ રાખો”.
નિશાએ આખરે બૂમ સાંભળી, અને વંટોળ પળવાર માટે ત્યાજ શમી ગયો. બસ પળવાર!
પ્રકરણ ૫: નિશા હવે મૃગજળનું શું કરશે?

Please write English translation also.I As you can best convey the essence which would be otherwise difficult.It would be mere words
ReplyDeleteThanks a lot for your valuable feedback. I would certainly think to translate chapters, however, in the meantime you can directly translate entire article in English with your browser. Option is available already to do that...
DeleteFlawless language and fascinating plot.
ReplyDeleteImmpresive one by established clinician and emerging author.
Best wishes for persistent brilliance.
Absolutely literary
ReplyDelete