પ્રકરણ-૩: નિશાના બે કાર્યો | રાત્રીની શોધમાં

પ્રકરણ ૧

પ્રકરણ ૨ 

પ્રકરણ ૩: નિશાના બે કાર્યો | રાત્રીની શોધમાં 

૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩, મંગળવાર

ભુજ જનરલ હોસ્પિટલમાં પલ્સ પોલિયો અમલીકરણ પર દસ કલાકની લાંબીલચક તાલીમ આપ્યા બાદ નિશાના અંગોપાંગ હવે એક લાંબો વિરામ ઝંખી રહ્યા હતા. સંધ્યા ટાણું વિત્યે બે કલ્લાક ઉપર થઈ ગયા હતા અને નિશાની કાંડા ઘડીયાર તેને બરાબર સાડા આંઠનો સમય બતાવી રહી હતી. ભુજના વ્યસ્ત અને ઘોંઘાટીયા બસ-સ્ટેન્ડમાં તે છેલ્લા દસ મિનિટથી બસની રાહ જોઈ રહી હતી. તે જાણતી હતી કે આજના દિવસની લખપત માટેની તે આખરી બસ હતી, અને માટે જ તે સમયથી દસ મિનિટ વહેલા પોહચી ગયેલ. પણ બસ હજુય ના આવી!

a lady looking at sea


મીઠા દર્દથી કણસતું તેનું શરીર, શબ્દોના મેરાથોનથી ત્રસ્ત થયેલ તેનો કંઠ, અને વાચાની નીરસતા હવે માત્ર તેના ક્વાર્ટરની હુંફ ઇચ્છતા હતા. આ કવાર્ટરમાં તે છેલ્લા ત્રણ વર્ષથી રેહતી હતી, અને તે જ પ્રાંગણમાં આવેલ લખપત સરકારી દવાખાનામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ પણ બજાવતી હતી. પણ તેનુ હુંફાળું ક્વાર્ટર તેનાથી હજુ લગભગ દોઢસો કિલોમીટર છેટે હતું, અથવા તો લગભગ ત્રણ કલ્લાક દુર!

બસ-સ્ટેન્ડનાં ઘોંઘાટમાં આંશિક વધારો કરતા બસ લગભગ ૯ વાગ્યે આવી તો ખરી. યાત્રીઓનો નિરંતર કલબલાટ અને બસ-સ્ટેન્ડની ઊંચી છતના એક ખૂણામાં સાંભળી ના શકાય પણ અનુભવ ચોક્કસ કરી શકાય એવા એક મધપૂડાને ફરતી મધમાખીઓનો ગણગણાટમાં ધ્યાનમગ્ન થયેલી નિશાએ બસને જોઇ, અને ત્વરિત જ ઊંડો શ્વાસ છોડ્યો. બસ, પછીતો જાણે કે મધમાખીની નકલ ઉતારતી હોય તેમ હરેરાટ કરતી તે બસમાં બેસી ગઈ. 

a highway

છેલ્લી બસ હોવા છતા લખપતની મુસાફરી કરનારાઓની સંખ્યા તો આંશિક જ હતી. મૂળભૂત રીતે બસ અડધી ખાલી હતી. આમ તો બસની આંતરિક શારીરિક સ્થિતિ જોતા એવું લાગે કે હવે તેનું રાજીનામું નજીકમાં જ છે, પણ તોય એક વફાદાર શ્વાનની જેમ હાંફતા-હાંફતા હજુય તે તેની સેવા પૂરી પાડી રહી હતી. સીટ ભલે સરકારી બસની હતી પણ હાલ તો નિશાને તેની નરમાશ તાજા રૂ થી પણ નરમ જણાતી હતી. બસની છત પરથી આછો પીળો પ્રકાશ પાડતી ત્રણ કે ચાર બત્તીઓ દિવસના અંતનો સાંકેતિક રીતે નિર્દેષ આપી રહી હતી. 

વધુ દસ મિનિટ વીતી અને લગભગ બધા જ મુસાફરો અહી-તહી સોડ સાંપળીને બેસી ગયા, નિશા પણ સંપૂર્ણ ખુલ્લી બારીને લગોલગ બેસી ગઈ. તેણે સીટ પર માથું ટેકવ્યુ, ધીરેથી પાંપણો બીડી, અને બસ ઉપાડવાની રાહ જોવા લાગી. સીટ પર તેના સિવાય અન્ય કોઈ ન હતું, આથી તેની બેગ, પાણીની એક નાની બોટલ, અને એક નેપકિન તેણે તેની બાજુમાં જ મૂકી દીધેલ. 

આછા વાદળી રંગના વાદળોની છાપ વાળી ઘેરા મરૂન રંગની સાડી નિશાએ એવી તો સંસ્કારીક રીતે પેહરેલ કે આ નિંદ્રાધીન અવસ્થામાં જો કોઈ તેને જુવે તો પ્રત્યક્ષ રીતે નિર્દોષતા કેવી લાગતી હોઈ શકે તેવો સાક્ષાત્કાર જરૂરથી થાય. આબેહુબ આરસ પત્થર જેવી સફેદી, પાનખરનાં સુકા પાન માફક તેની મંજરી આંખો, રેશમથી પણ વધુ મુલાયમ અને છેક કમર સુધી લાંબા તેના વાળ કે જે હાલ તેના ખોળામાં પથરાયેલા હતા, તેની આ નાજુક, નમ્ર, અને ભવ્ય સુંદરતામાં રાત્રીના છેલ્લા કલાકોમાં પણ લેશમાત્ર થાકેલા જણાતા ના હતા. 

ત્વરિત જ નિંદ્રાધીન થયેલી નિશાને તે વાતનો અંદાજો જ ના રહ્યો કે ક્યારે લખપતની આ ખખડધજ બસે ભુજનું બસ-સ્ટેન્ડ છોડ્યું અને ક્યારે તે ભુજ-નખત્રાણા હાઈવે પર પૂર ઝડપે દોડવા લાગી. બસના એન્જિનનો ધીમો પણ કર્ણપ્રિય કહી શકાય એવો એકધારો અવાજ, સુસંગતતાથી સુક્ષ્મ રીતે રણકતા બારીઓ ના કાંચ, તો વળી ક્યાંક એકાદ શિશુનો મહદ આક્રંદ, નિશાને આ બધું અત્યંત શામક લાગતું હતું. 

તોય ના જાણે કેમ, આશરે બે કલ્લાક બાદ અચાનક જ તેની ઊંઘ ઉડી ગઈ. તેને થયું કોઈએ તો તેને જગાડી, પણ કોણે?... બીજુ હોય પણ કોણ?... તે હતો પવન!

લખપતનાં કિલ્લાને લગોલગ આવેલું નિશાનુ સરકારી દવાખાનું પશ્ચિમનાં અફાટ સમુદ્રથી બસ અડધા-એક કિલોમીટર છેટે હતું. દેખીતી રીતે, કચ્છનાં અન્ય જીલ્લાઓની સરખામણીએ દરિયા કાંઠે આવેલ લખપત તેની ભીની શીતળતા માટે પ્રખ્યાત હતું, કે જે બારેમાસ લગભગ એક સમાન રેહતી. આ તેજ પવન હતો કે જે દરિયાની સપાટી પરથી ફૂંકાતો રેહતો અને લખપતનાં સરકારી દવાખાના સોંસરવો નીકળતો. અહલાદક, ધીમો, અને શીતળ!

નિશા હવે આ શીતળ પવનને ઓળખી ગઈ હતી. તે જાણતી હતી કે લખપત હવે દુર ન હતું. તેણે આંખો ચોળી, ખુશ્ક હોઠો પર ભીનાશ પાથરી, પાણીના ત્રણ-ચાર ઘૂંટડા ઉતાર્યા, અને કાંડે પેહરેલી ઘડિયાળમાં એક નજર નાંખી; સાડા અગિયાર! 

પણ નિશાના જાગવાનું એક માત્ર કારણ પવન ન હતો, તે હતા તેની દૈનીકતાના બાકી રહેલા બે કર્યો; જેમાનુ એક તે હવે કરવા જઈ રહી હતી. તેણે બાજુમાં રાખેલ હેન્ડબેગ માંથી અંગ્રેજી સાહિત્યની એક ચોપડી કાઢી, અને તે તેના વ્યવસાયને અનુરૂપ તબીબી વિજ્ઞાનની તો ન હતી!

“ફન્ડામેન્ટલ ઓફ ન્યુક્લિયર એનેર્જી”, તેણે ફરી એક વાર ચોપડીનું શીર્ષક વાંચ્યું, અને પછી જ્યાં બુકમાર્ક મુકેલ હતું ત્યાંથી આગળનું વાંચન શરૂ કર્યું. ચોપડીના બસ છેલ્લા ચાર કે પાંચ પન્નાઓ બાકી હતા, અને તે વાંચતા નિશાને સેહેજે દસ મિનિટ લાગી. 

આખરે નિશાએ ઊંડો શ્વાસ ભર્યો અને ચોપડી બંધ કરી. પણ હવે તેની નજર ચોપડીના બેક કવર પર સ્થિર થયેલા પોતાના હાથ પર પડી. તેણે ધીરેથી હાથ હટાવ્યો અને કશુક વાંચ્યું. વાંચતાની સાથે જ તે એક વાર ફરી ધબકાર ચુકી ગઈ, તેની પાંપણો ભીની થઈ ગઈ, અને હૃદયમાં એક ડૂમો બાજી ગયો.

બેક કવર પર લેખકનું નામ મોટા અક્ષરોએ લખેલું હતું; “પવન કવિરાજ આચાર્ય”.

અને હજુ બીજું કાર્ય તો બાકી હતું!                      


નિશાનું બીજું કાર્ય પ્રકરણ- ૪ માં 


Kindly post your feedback here. Thank you. 


 


Comments

  1. Very interesting , ઉત્સુકતા જાગે એવી story છે, વાર્તા ની રફતાર થોડી તેજ હોય તો વધુ મજા આવે,
    one suggestion: make some fix shedule of release of episode eg. every Monday or like this ...so that readers will wait for new episode and will maintain the flow of the story...

    ReplyDelete

Post a Comment

Popular Posts

પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં

A Guide to Minimalism | What to Keep and What to Let Go

How Much Is Enough Money | The Fine Line Between Happiness and Greed!