યુવાનીની દરવાજે દસ્ક્ત લગાવતી અઠાર વર્ષની નિશાએ મનોહરને વ્યંગ કર્યા બાદ ફરી એક વાર પવનના ખભે માથું ટેકવ્યું અને આંખો બંધ કરી. પવનના એક હાથને તેના બંને હાથો દ્વારા કોમળતાથી પકડી રાખી પવન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ તેના ખાલી મનમાં ફંફોળવા લાગી. તેને ખબર હતી આ પળ ક્ષણભંગૂર છે અને હવે છેક આવતી અમાસે તે પાછી આવશે, અને માટે જ પવનનાં પ્રશ્નનો ઉત્તર આપવાની જગ્યાએ આ રાત્રિએ પવનને રોકી રાખવો વધુ પસંદ કર્યો.
બે પળ વીતી અને નિશાની બંધ આંખો માંથી એક અશ્રુબિંદુ વહી નીકળ્યું અને સીધું જ પવનના હાથ પર સ્થાપિત થયું. પણ, પવન હજુ કાઈ બોલે તે પહેલા નિશા એ ઉત્તર આપ્યો, “હું આગળ હવે નહીં ભણી શકું, પવન. માં ને ગયા વર્ષો થઈ ગયા અને હવે છેલ્લા એકાદ વર્ષથી બાપાની તબિયત પણ કથળતી જાય છે. રોજી કમાવી હવે તેમના માટે ભારણ થઈ ગયું છે. ઘર માંડ ચાલે એટલું હવે તે ભેગું કરી શકે છે ને એમાં મારા સ્નાતક થવાનો ભાર હવે મારાથી મારા બાપા પર નંખાય એમ નથી”. જણાવતા નિશાએ એક નાની અમથી ધ્રુજારી સાથે ઊંડો શ્વાસ ભર્યો. “પવન, હવે તેમનું ધ્યાન રાખવાનો વારો મારો છે”.
પવન નિશાનો હાથ પંપાળતા બોલ્યો, “પણ બોર્ડમાં તે ૯૧ ટકા માર્ક્સ મેળવ્યા છે, નિશા. તું ધારે તે ભણી શકે છે.”
“કદાચ મારા નસીબમાં હવે ભણતર નથી”, નિશા પવનનો હાથ ચૂમતા નિશાશાભેર બોલી. “બસ એક તું જ છે. બાપા પછી જો આ જીવન કોઈને સમર્પિત હોય તો તે તું અને માત્ર તું જ છે, પવન. મને તો એ પણ નથી ખબર કે આપણા આ સંબંધને બાપા કેમના સમજી શકાશે? સમજશે કે નહીં? નહીં સમજે તો હું શું કરીશ?” વધુ બોલતા પેહલા નિશાએ એક વિરામ લીધો. “મારી સાથે હવે હું તારા સિવાય અન્ય કોઈની કલ્પના પણ નથી કરી શકું એમ. પવન...” નિશાએ તેની સામે પ્રશ્નાર્થ હાવભાવ સાથે જોયું. “...તું મારી સાથે જ છે ને?”
“કાલે પણ હતો, આજે પણ છું, અને આગળ પણ તારી સાથે જ છું”, પવને નિશાને તેની સોડમાં લેતા ઉચ્ચારણ કર્યું. “મારું વચન છે તને”.
“ન્યુક્લિયર વૈજ્ઞાનિક બન્યા બાદ પણ?”
પવને નિશાના કપાળે ચૂમ્બન કર્યું અને જવાબ આપ્યો, “શું લાગે છે તને? જે વ્યક્તિ દર અમાસે, અચૂક, છેક મુંબઈ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરેથી નલિયા માત્ર તેની પ્રેયસીને મળવા આવતો હોય તેના માટે તે વ્યક્તિની કિંમત શું હોઈ શકે તે તું સમજી શકે છે ને? આ રાત્રિ, આ સમય, આ તારો સ્પર્શ, બધું જ જાણે મારા આત્મામાં વણાઈ ચૂક્યું છે”.
“પણ હું એક સ્નાતક પણ નહીં હોઉં, શું તારા વૈભવને તે આડે નહીં આવે? શું તારો પરિવાર મારો સ્વીકાર કરશે?”
પવને ખોખારો ખાતા જવાબ આપ્યો, “નાનપણનો પ્રેમ છે, નિશા. ભગવાનને બધું જ ખબર છે. પરિવાર તારો કે મારો, ભણતર હશે કે નહીં, તે બધું તે જ જોઈ લેશે. સોળ વર્ષનો હતો ત્યારથી મનોહરનાં મિત્રની ઓળખે નલિયા આવું છું. મને શું ખબર હતી કે નલિયાની રાત્રીઓ માં મારા માટે ભગવાને એક “નિશા” પણ આલેખી રાખી હશે. તેણે જ આ પ્રકરણ લખ્યું છે, અને આગળ પણ તેજ વધારશે”.
“સાચું કહું તો મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આ નિશા ને પવનનો સથવારો મળી રહેશે”, નિશાએ મૃદુ અવાજે કબૂલાત કરી. “આગળ શું થશે તેની મને નથી ખબર પણ હવે તું જ મારું પ્રારબ્ધ છે”. નિશાની આંખો ફરી એક વાર ભીની થઈ ગઈ. “અને વિશ્વાસ પણ છે કે તું હંમેશા મારી સાથે રહીશ”.
“વધુ ના વિચાર, નિશા. બધું ભગવાન પર છોડી દે. તાંતણાં તેને જ ગૂંથ્યા છે તો ઉકેલ પણ તે જ લાવશે”.
ઘેરી બનતી રાત્રિમાં પવનના આ શબ્દો સાંભળ્યા બાદ નિશાને નિરાંત વળી, બીજી જ પળે પવનને બાહુપાશમાં લઈ થોડા સમય માટે પણ તેની આંખો ક્યારે મિંચાઈ ગઈ તેનું તેને ભાન જ ના રહ્યું. પવને પણ કશું જ ના ઉચ્ચારતા બસ નિરાંત વાતાવરણમાં તે આલિંગન ને સમય આપ્યો, અને એકબીજા નાં શ્વાસની આપલે દ્વારા એક મહિના સુધી ચાલી રહે તેટલી ઊર્જાનો કબજો લીધો.
નિરવ ઊર્જાની આપલે બસ પૂરી જ થવાને આરે હતી ત્યાં મનોહરનો કર્કશ અવાજ પવનને કાને પડ્યો, “મારી દસમી સિગારેટ પૂરી થઈ ગઈ છે, અને હવે હું અગિયારમી નથી પીવાનો, કહી દઉં છું તમને બન્નેને”.
મનોહરનો કટાક્ષ સાંભળીને એક મધુર સ્મિત નિશાના મુખ પર ખીલી ઉઠ્યું, “હા, ભાઈ, અગિયારમી સિગારેટ તો હું પણ તમને નહીં પીવા દઉં”.
રાત્રિની શોધમાં નાં આગળનાં પ્રકારનો જરૂરથી વાંચશો
આપના અભિપ્રાયો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો
Amazing story….🥹
ReplyDeletePls Update another chapter ASAP
Write up... fabulous 👌👌
ReplyDeleteGood going....
ReplyDeleteBut regular release of new episodes maintain the reader's interest, so if possible, now onwards try to give new episode weekly...