પ્રકરણ ૭: કાગળ | રાત્રિની શોધમાં
પ્રકરણ ૭: કાગળ | રાત્રિની શોધમાં
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૩, ગુરુવાર
લગભગ વિદાય લેતો નલિયાનો શિયાળો અને તેની આ ભેંકાર બપોર, દેખીતી રીતે ખાલી પડેલી શેરીઓ, અને ઉપર ટિંગાતા એવા શ્મશાનની રાખ સમા ભૂરા રંગનાં વાદળો- આ બધુજ નિશા માટે આટઆટલા વર્ષો બાદ પણ જાણીતું જ હતું, પણ કદાચ નલિયા જ આજે તેને ઓળખી રહ્યું નોહતું. નલિયા સ્ટેશનેથી ધ્રુજતા પગલે તે જ્યારે ચાલતી થઈ ત્યારે તેને કોઈએ ના ઓળખી, મધરસ્તે સામે મળતા, માંડ એકલદોકલ ગાડા કે બે-ચાર ગ્રામ્યજનોએ પણ તેને નાં ઓળખી, નાં તો તે વટવ્રુક્ષે કે નાં તો તે રાધાકૃષ્ણ મંદિરે પણ તેને ઓળખી! વળી, વ્યથા એવી કે નાં તો આજે અમાસ હતી કે નાં તો અત્યારે રાત્રિ. આ અગોચર મધ્યાહને વળી નિશાની શું વિસાત? તેને ત્રાદ્રશ્ય રીતે જો કોઈ જાણતું તો તે હતી અમાસની રાત્રિ અને ધીમી ગતિએ વાતો પવન!
હવે તે વર્ષો જુની, વિસરી ગયેળી એક યાદ માત્ર હતી નલિયા માટે, અલબત, કોઈ હતુ જ નહી કે જેને તે યાદ કરતુ હોય. પણ, હા, જેવો તેણે સ્ટેશનથી બહાર પગ મુક્યો અને નલિયા ભણી ડગલાં ભર્યા, કોઈકે તો તેને સ્મિત પ્રદાન કર્યું. સ્ટેશનની થોડે દુર એક ચબૂતરા નીચે એક લાકડીનાં સહારે બેઠેલ, વશીકૃત થયા હોય એમ એકાદ બીડીનો કસ મારતા, અને જીવનના આખરી પડાવને ભરપૂર રીતે જીવતા એક મોટી વાયનાં ભાભા એ નાં જાણે કેમ પણ જેવી નિશાને જોઈ તુરંત જ તેમની ઘટાદાર અને લાંબી દાઢીના પાછળ છુપાયેલા મુખેથી મંત્રમુગ્ધ કરીદે એવું સ્મિત પાથર્યું. સામે નિશાએ પણ આદરપૂર્વક માથું ધૂણાવ્યું, લગીરેક હાસ્ય ઉપજાવ્યું, અને ત્યાંથી કશુજ કહ્યા કે બોલ્યા વીના ચાલી નીકળી.
સુંદર પીળા રંગની સાડીમાં નિશા આ બપોરને બરાબર ટક્કર આપી રહી હતી. આરસપાણસમું ચમકતું તેનું નિર્દોષ મુખ પળમાં હજારો વાર હાવભાવ બદલતું; રસ્તામાં ક્યારેક ભાવવિભોર બની જતું તો વળી ક્યારેક ખુલ્લા મને હસી લેતું, ક્યારેક અશ્રુઓની નદીઓ વેહતી તો ક્યારેક સાડીનો પાલવ તેનાં સંસ્કારીક શરીરને ઢાંકતા તેની લાજ રાખતો, તેના જ ડગલાઓની છાપ જાણે તેનાથી પણ આગળ ચાલતી હોય એમ તે છાપને ચોક્કાસ રીતે માપવાનો તે પ્રયાસ કરતી, અને કોઈ વાર બસ મધરસ્તે સ્થગિત થઈને તે અગોચર મધ્યાહનને ઘૂર્યા કરતી. શ્વાસ રૂંધાતો, પણ વારંવાર બસ તે વટવ્રુક્ષને ટાંક્યા કરતી, વળી એકાદ અડધો ધ્રુસકો ભરી આગળ વધતી.
આસાન નાં હતું નિશા માટે આજ પીડાદાયક માર્ગ પર ફરી ચાલવું અને એક અસફળ પ્રેમને ફરી પામવાની હિંમત કરવી. તેનું આવું કરવું એક જુગારથી ઓછું કશુ જ ના હતું. તેને હતું કે આટલા વર્ષો બાદ પવન નલિયા ચોક્કસ આવશે; ભલે ૩૧ માર્ચે તે કાકરાપાર આવવાનો હોય પણ તેનું મન કેહતું હતું કે એક વાર પણ, પવન નલિયા ચોક્કસ આવશે, અને જ્યારે તે આવશે ત્યારે નિશા અને રાત્રિ બેવ તેનો સામનો કરવા તૈયાર હશે.
૯ વર્ષ પૂર્વે પવન જ્યારે નિશાને તરછોડીને જતો રહ્યો હતો ત્યારે પણ નિશા પવન દ્વારા આચરેલ વર્તન કે તેના દ્વારા આપવામાં આવેલ કારણોને માનવા તૈયાર નોહતી. જે પણ બન્યું હતું ૯ વર્ષ પૂર્વે તેના મધ્યમાં પવન તો નાં જ હોઈ શકે; આ નિશા દ્રઢ પાને માનતી હતી. અને તેનો આજ વિશ્વાસ આજે તેને ફરી નલિયાની તે જ શેરીઓમાં લઈ આવ્યો છે જ્યાં તેનું ઘર તેને બસ હવે તેની નજરોની બરાબર સામે દેખાઈ રહ્યું છે.
વર્ષો બાદ ઘરનો દરવાજો જોઈને નિશાનું હૃદય જાણે થંભી જ ગયું. ઓટલે જામેલા માટીના થર કરતા સમયના થર એટલા તો ધનિક હતા કે દરવાજો જોતાની વેત નિશા ભાંગી પડી. પિતાનું મુખ આ સમયના થર ભેદીને નિશાની સામે અવતરિત થઈ ગયું. બાળપણ, પ્રેમ, મિત્રતા, નિષ્ફળતા, મૃત્યુ, લગ્ન, અને વ્યવસાય, આ સમગ્ર પાસાઓ ક્ષણભરમાં નિશાની આંખો સમય ઉજાગર થઈ ગયા. ભાવનાઓનું ભારણ એટલુંતો વધી ગયું કે આખરે નિશાના શરીરે તેનો સાથ ક્ષણભર માટે ત્યજી દીધો અને તે દરવાજાની સમુખ ઢળી પડી.
થોડો સમય મલિત દરવાજે માથું ટેકવીને તેને પોતાના હાથે સ્પર્શ કર્યો, અને સાથે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાશ કર્યો; લાગ્યું જાણે તે પળવાર માટે તેના પિતાની બાહોશમાં નાં આવી ગઈ હોય! મધ્યાહને આ શેરી અત્યંત શાંત હતી, ના કોઈ જણ, નાં કોઈ પશુ, નાં તો પક્ષીઓનો કચવાટ!
નિશાએ હવે પોતાના પાલવથી ભીની આંખોને અશ્રુહિન કરી, હળવેકથી ઉભી થઈ, અને ખભે લટકાવેલ તેના હેન્ડબેગ માંથી એક કાટ ખાઈ ગયેલ ચાવી કાઢી. પણ હજુતો તે દરવાજાનું તાળું ખોલવા જાય ત્યાં અચાનક જ એક કિશોરીના હાસ્યનો અવાજ તેના કાને પડ્યો; તેણે શેરીની ડાબી બાજુએ જોયું. આબેહુબ તેના જેવીજ પ્રતિભા ધરાવતી તે કિશોરી શેરીના બીજા છેડે કોઈને સંબોધન કરતા હાસ્ય વેરી રહી હતી. નિશાને તે કિશોરીમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું, અને એક ત્વરિત જન્મેલી આંતઃસ્ફૂરણા સાથે તેણે શેરીની બીજી તરફ જોયું; એક કિશોર! તે કિશોરીના હાસ્યનો નિર્દોષતાથી ઉત્તર આપી રહ્યો હતો. પવન! તેની આત્મા પોકારી ઉઠી. બે ઘડી ઊંડો શ્વાસ ભરી, આંખો બંધ કરી નિશાએ દરવાજે ફરી માથું ટેકવ્યું, અને ફરી કાલ્પનિક પવન તરફ નજર ભણી.
પણ, શેરી ફરી ભેંકાર શાંતિથી લિપ્ત હતી!
વિચલિત મને નિશાએ તાળું ખોલ્યું અને ધૂળથી તૃપ્ત થયેલો તે દરવાજો ખોલ્યો; એવું લાગ્યું જાણે ઘણા લાંબા સમયે હવે આ ઓરડાએ એક ઊંડો શ્વાસ લીધો હોય. એક ભીની સુગંધનાં આધિપત્ય વચ્ચે થોડી ધૂળની ડમરીઓએ ઘરમાં પ્રવેશ કર્યો, અને એક આછા અંધકાર સાથે એક જ ઓરડાનું નિશાનું આ ઘર ફરી આળસ મરડતું બેઠું થયું. આજેય તે જ પલંગ, તે જ ચાદર, તે જ કબાટ, તે જ પાણિયારું, તે જ તેના પિતાનો થેલો જે હાલ પણ ખીતીએ લટકતો હતો. દીવાલે લટકતું પિતાનું પેહરણ, ભોયે પડેલ બીડીઓ નાં અસંખ્ય અવશેષો, અને બીજી દીવાલે લટકતો પણ મેલો થઈ ગયેલ માં નો ફોટો, આ બધું જ બસ નિશાની જ રાહ જોઈ રહ્યા હતા.
૯ વર્ષ બાદ ઓરડો હાલ તો રેહવા લાયક નોહતો રહ્યો, નિશાએ તેને ફરી જીવિત કરવો જ રહ્યો. અને આમ પણ હજુ તેની પાસે ૧ મહિનાથી પણ વધુ સમય બાકી હતો.
નિશાએ હેન્ડબેગને બાજુના એક ટેબલ પર મૂકી, હાથ ખંખેર્યા, પાલવનો છેડો કમરે ખોસ્યો, માથાના વાળનો અમ્બોળો વાળ્યો, અને ફરી એક વાર ૯ વર્ષ જૂની નિશામાં પરિવર્તિત થઈ ગઈ. કદાચ ઘરે આવ્યા બાદ તેનામાં ઉર્જા પાછી ફરી હતી અને તેનો આત્મવિશ્વાસ સત્વરે જાગૃત થઈ ગયો હતો.
નિશાએ શરૂઆત પિતાના પલંગની ચાદર ખંખેરવાથી કરી, અને હજુ તો એક-બે વાર ચાદરને માંડ ખંખેરી હશે ત્યાં તો કોઈએ જાણે દરવાજે સાંકળ ખખડાવી હોય એવો તેને એહસાસ થયો. તે ત્વરિત જ પાછી ફરી. આછો અંધકાર અને વળી ધીરે ધીરે નીચે શમતી ધૂળે નિશા માટે દરવાજે કોણ ઉભું છે તે સમજવું થોડું અઘરું કરી દીધું. વધુમાં દિવસના પ્રકાશમાં દરવાજાની વચ્ચોવચ્ચ ઉભેલુ તે પ્રતિબિંબ તેની ઝાંખીને વધુ ડોહળી બનાવી રહી હતી.
નિશા જાણતી હતી કે તેને મળવા કોઈ આવે તે શક્ય જ ન હતું, અને તે પણ આટલું જલ્દી?
"તો તે કોણ હોઈ શકે?" કુતુહલતાપૂર્વક નિશાએ માથાની લટોને એક તરફ કરતા પોતાની જાતને સવાલ કર્યો, પણ તે આ પ્રતિબિંબને ઓળખીના શકી. "કોણ?" તેણે ધીમા અવાજે પૂછ્યું અને બે ડગ ભર્યા.
"ઓળખ્યો નહી મને, નિશા?"
"મનોહર ભાઈ?" નામ લેતાની સાથે જ નિશાને ડૂમો બાજી ગયો અને હાથ માંથી ચાદર સરકી ગઈ.
"હા, બેન", મનોહરે ઘરમાં પ્રવેશતા કહ્યું. "હું, મનોહર".
નિશાએ દોટ મૂકી અને મનોહરને ભેટી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મનોહર પણ એક નાની બાળકીને જાણે વ્હાલ કરતો હોય એમ તેના માથે હાથ ફેરવતો રહ્યો, અને નિશાના ભાવનાઓના વંટોળને શાંત થવાની રાહ જોવા લાગ્યો.
"ભાઈ, તમે?" નિશાએ પોતાના આંશુ લૂછતાં પૂછ્યું. "તમે આટલા વર્ષો બાદ પણ અહી જ છો? તમને કેવી રીતે ખબર પડી કે હું આવી છું. મેં સાંભળ્યું હતું કે તમે..."
"નિશા, આ બધું જ છોડ", મનોહરે તેને વચ્ચે અટકાવતા કહ્યું. "તું ક્યારે આવી એ મને હમણા જ ખબર પડી".
"પણ કેવી રીતે?"
"શાંતારામ કાકા..."
"શાંતારામ કાકા?" નિશાએ પોતાને અલગ કરતા પૂછ્યું. "પણ..."
"ચબૂતરા નીચે જે ભાભાને તે જોયા હશે તે બીજા કોઈ નહી પણ શાંતારામ કાકા જ હતા, તારા પિતાનાં પરમ મિત્ર", મનોહરે જવાબ આપ્યો. "તારા પિતાના મૃત્યુ બાદ તેમને એવોતો આઘાત લાગ્યો કે બસ તેમણે તેમના પરમ મિત્રની ટેવ અપનાવી અને તેમના માનમાં કદી પણ વાળ નાં કપાવાનું નક્કી કર્યું. રોજ બસ આખો દિવસ ચબૂતરે બેસીને બીડીઓ જ પીવે છે અને મૃત્યુની રાહ જુએ છે. તેમને જ મને કહ્યું કે તું આવી છે".
"હું તો તેમને ઓળખી જ નાં શકી", આંશિક સ્મિત સાથે નિશા એ કહું.
"પ્રારબ્ધ છે આ, નિશા", મનોહરે રહસ્યમય રીતે જણાવ્યું. "અને કદાચ હું જાણું છું કે તું પણ અહી શા માટે આવી છું..." મનોહરે મૌન સાધ્યું, અને નિશા તેની સામે એકી ટસે જોઈ રહી. "...કેમકે તે અહી આવ્યો છે".
નિશાની આંખો ફરી ભીની થઇ ગઈ, "હા, ભાઈ, પવન ગુજરાત આવવાનો છે. કાકરાપાર. ૩૧ માર્ચ. અને મને ખાતરી છે કે તે મારા માટે અહી ચોક્કસ આવશે".
મનોહરે કટાક્ષ હાસ્ય તેના ચેહરા પર પ્રેરિત કર્યું અને નિશાના માથે હાથ મુકતા કહ્યું, "અરે, ગાંડી, આવવાનો નહી, પણ પવન આવી ગયો છે".
નિશા ફરી એક વાર ધ્યાન ખોઈ બેઠી અને જમીન પર ધસી પડી.
"પવન?" ધ્રુજતા શરીર અને દ્રવિત હૃદય સાથે નિશા બોલી. "મારો, પવન..."
"હા, બેન", મનોહર તેને સંભાળતા નીચે બેઠો. "બે દિવસ પેહલા, બરાબર અમાસની રાતે તે મને અહી જ નલિયા સ્ટેશન તારી ખોજ માં જ આવ્યો હતો. તને મળવા, તારા માટે. આ જો..." મનોહરે તેના ખમીસનાં ઉપર નાં ખિસ્સામાં મુકેલ એક પરબીડિયું કાઢ્યું અને નિશાના હાથમાં આપ્યું. "...આ કાગળ મને આપતો ગયો છે. તારા માટે. તારું કોઈ જ ઠામ ઠેકાણું મને કે કોઈ ને ખબર નાં હતી એટલે હવે તે તને શોધવા નીકળી ગયો છે, પણ જતા પેહલા મને આ કાગળ અપાતો ગયો છે અને કેહતો ગયો છે કે જો કદાચ ભવિષ્યમાં તું ક્યારેય પણ અહી આવે તો આ કાગળ તને જરૂરથી આપી દઉં".
"પણ, ભાઈ, હું તો અહી તેની રાહ..." નિશા બોલતા બોલતા અટકી ગઈ અને પરબીડિયું ખોલવા લાગી.
"બેન..." મનોહરે તેને અટકાવતા કહ્યું. "તું શાંતિથી પેહલા આ કાગળ વાંચ, બાકી બધું પછી. હાલ હું જાઉં છું, તમારી વચ્ચે નહી આવું. પણ આ ભાઈ તારી સાથે જ છે".
નિશાએ મનોહર ને ભેટીને ફરી આભાર માન્યો, અને મનોહરે તેની રજા લીધી, "આવજે, બેન, ધ્યાન રાખજે".
નિશાએ ઊંડો શ્વાસ ભર્યો અને ધ્રુજતા હાથે કાગળ બહાર કાઢ્યો. ભાવનાઓનાં દરિયામાં તોફાન આવવાની શરૂઆત જ હતી, તોય , ભોયે બેસી રહીને નિશાએ પત્ર વાંચવાની શરૂઆત કરી.
લખ્યું હતું, "કેમ છે મારી રાત્રિ?"
આપના અભીપ્રયો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો
ધારાવાહિકની શરૂરાત પ્રકરણ ૧ થી જરૂર કરશો

Request to put English translation also
ReplyDeleteCan I know the name of my reader plz...
DeleteInteresting chapter🥹 ❤️.. waiting for NEXT
ReplyDeleteThanks for the comment..
Deleteચાસણી મા જબોડેલી જલેબી જેવી શબ્દો થી અલંકારીત પ્રણય ભગ્ન વાર્તા નવા પ્રકરણ ની આતુરતા પૂર્વક વાટ જોવા મજબૂર કરી દે છે
ReplyDeleteઆપના કોમેન્ટ આ વાર્તા કરાતા પણ ગહન છે. આભાર. નામ ચોક્કસ જણાવશો...
Deleteવાચક ને જકડી રાખે તેવી અદ્ભુત ભાષા અને કથાનક.
ReplyDeleteવધુ અને વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતાં રહો ડોક્ટર સાહેબ.