રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૩, શુક્રવાર
એક દર્શનાર્થી તરીકે કુતુહલનો ભાવ ચોક્જકસ જન્માવે તેમ તારણહારને નમન મુદ્રામાં શીષ જુકાવતા પવનને હાલ પાંચ મિનિટથી વધુ સમય થઈ ગયો હતો, જોકે તેનું આ નમન આવતા જતા અન્ય દર્શનાર્થીઓ માટે ધ્યાન્ગમ્ય તો નોહતું. જ્યાં આપની મૂંઝવણની માઝા મુકાઈ હોય ત્યાં અન્ય કોઈના સાક્ષાત્કારની કોઈને શું પડી હોય, પણ શ્રીનાથજી મંદિરના ગર્ભગૃહમાં હાથ જોડીને ઉભેલ પવનને કોઈ તો હતું જે ક્યારનુયે એકીટસે જોઈ રહ્યું હતું.
રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ
શુક્રવાર હતો આજે, અને માટે જ દર્શનાર્થીઓનું આવાગમન પણ નીયંત્રણમાં હતું. મંદિરની બહાર તાજો ઊગેલ સુર્ય ખુબ નિર્મળતાપૂર્વક ભમરીની પીળી પાંખો જેવો પ્રકાશ પથારી રહ્યો હતો. માર્મીક્તાથી બેઠો થતો દિવસ મંદિરની ચોફેર આચ્છાદિત હરિયાળીની સાથે રીતસરની જાણે વાતો કરતો હોય એમ પળે પળે આળસ મરોડી રહ્યો હતો. મંદિરનાં પ્રાંગણમાં ક્યાંક મોગરો, ક્યાંક ગુલાબ, ક્યાંક ચંપો, તો વળી ક્યાંક પારિજાતનાં પુષ્પો ભીના પવનના સુસવાટાઓ પર સવારી કરી ખુદની સુગંધને પ્રસ્થાપિત કરવાની હરીફાઈમાં લાગેલ હતા. સાથે, પાન-પત્તાઓ પરના ઝાકાળબિંદુઓ દિવસના આ નૈસર્ગિક આગમનને સ્થિર થઈને માણી રહ્યા હતા. અહાલાદક સૂર્યકિરણો વૃક્ષોની ડાળીઓ સોંસરવા નીકળીને સીધા જ મંદિરનાં ગુંબજ પર પડી રહ્નીયા હતા, અને ત્યાંથી કોતરણીઓ પરથી ભ્રમણ લઈ કેટલાક તો સીધા જમીન પર આળોટતા તો કેટલાક મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશતા.
હજુ હાલ જ પ્રભુ શ્રીક્રિશ્નાની આરતીને વિરામ મળ્યો હતો અને દર્શનાર્થીઓ વિદાય લઇ રહ્યા હતા, પણ પવન, હજુય નમનમુદ્રામાં સ્થિર ઉભો હતો. ઘેરા પીળા રંગનું પોલો નેક ટીશર્ટ, સફેદ ફોર્મલ ટ્રાઉઝર, અને કાંડે ઘડિયાળ ધારણ કરેલ પવન આબેહુબ શ્રીક્રિશ્નાની ઝાંખી સમાન લાગી રહ્યો હતો. તેજસ્વી, મૃદુ, અને સાક્ષાત! પણ તેના ચેહરા પર છવાયેલ ઉદાસીનતાનો પડછાયો ત્રાદ્રશ્ય રીતે જોઈ શકાતો હતો.
આખરે એક ઘંટનાદે પવનનું ધ્યાન ભગ્ન કર્યું. તેણે પ્રભુને ફરી એક વાર પ્રણામ કર્યા અને ગર્ભગૃહ માંથી સહજ ડગલાઓ સાથે રવાના થયો. તે મંદિરનાં પ્રાંગણની બહાર નીકળ્યો, પોતાના પગરખા ધારણ કર્યા, અને પોતાની પાર્ક કરેલ કારની દિશામાં ચાલવા માંડ્યો, પણ જેવો તે મંદિરના છેલ્લા મિનારથી પસાર થયો એક સાત્વિક અવાજે તેને ત્યાજ રોકાઈ જવા મજબૂર કર્યો.
"જે માંગ્યું તે મળ્યું ખરું, દીકરા?"
પવને પાછળ ફરીને જોયું; એક અલગારી સંત ભગવા કપડા ધારણ કરી, હાથમાં કમંડળ રાખતા, એક અતિ દૈવિક સ્મિત સાથે તેની તરફ જોઈ રહ્યો હતો. સાધુનું તેજ એવુ તો અક્ષય હતું કે તેની સામે જોતાની સાથે જ પવનનાં મનો-મસ્તિષ્કમાં જાણે બ્રહ્માંડરૂપી શાંતિ પ્રસ્થાપિત થઇ ગઈ.
થોડા સ્મિત સાથે પવને જવાબ આપ્યો, "ના, મહારાજ, હજુ તો નથી મળ્યું, પણ મળી જશે તે ચોક્કસ છે".
"આટલો બધો આત્મવિશ્વાસ?" સાધુએ પ્રશ્ન કર્યો.
"આત્મવિશ્વાસ નહી, મહારાજ, પણ ભરોસો છે નાથ પર", પવને આંખો ભીની કરતા ઉત્તર આપ્યો. "મને તેણે બધુજ આપ્યું છે, અને આગળ આપતો રેહશે".
"ચોક્કસ પણે કહે છે, દીકરા?" સાધુએ પ્રશ્ન વધુ ઘેરો બનાવતા કહ્યું.
"કેમ આમ કહો છો, મહારાજ?" પવન અસમંજસના ભાવ સાથે સંતની સમક્ષ બેસી ગયો. "મને તે ચોક્કસ મળશે?'
"કોણ?" સંતે નીસાશો નાંખતા પૂછ્યું. "તારી પ્રેયશી?"
પવન અચાનક જ આ સાંભળીને અચંભિત રહી ગયો. તેણે ગળેથી સુકો ઘૂંટળો ઉતારતા પૂછ્યું, "આપને કેવી રીતે ખબર, મહારાજ, કે હું મારી પ્રેયાશીને ઝંખું છું?"
"અલગારી છું, દીકરા, અને પ્રભુના ચરણોમાં રહીને થોડો આત્મજ્ઞાની પણ થઈ ગયો છું", સંતે માથું ધુણાવતા કહ્યું. "છેલ્લા કેટલાય સમયથી હું તને જ જોઈ રહ્યો છું. તારા જેટલી ઊંડી તાલાવેલી આજે આવેલ કોઈ દર્શનાર્થીમાં મેં નથી જોઈ".
ધ્રુજતા હાથ સાથે પવને પોતાના પોકેટ માંથી નિશાનો એક જુનો ફોટો કાઢ્યો અને સંતને બતાવ્યો, "બસ આ જ છે જે હું પ્રભુ પાસે માંગી રહ્યો છું, નિશા, મારી પ્રેયશી". પવને વધુ બોલતા પેહલા થોડું થોભ્યો. "મને કોઈએ કહ્યું હતું કે નિશાને છેલ્લે આ જ મંદિરે કોઈએ જોઈ હતી. બસ એટલે જ તેને શોધવાની શરૂઆત પણ અહીથી જ કરું છું". એક ઊંડો શ્વાસ લેતા તે ફરી બોલ્યો. "મહારાજ, શું આપને ખબર છે નિશા ક્યા હશે?"
સંતે માથું હોકારામાં ધુણાવતા કહ્યું, "જેમ આજે તું અહી છો તેમ તે પણ અહી જ હતી, પણ ઘણા વર્ષો પેલા".
પવનના હૃદયનો ધબકાર ચુકાઈ ગયો, "શું તે આપને મળી હતી?"
"ના, દીકરા, પણ મેં તેને જોઈ ચોક્કસ હતી. અને હાલ તે ક્યા હશે તેની તો આ માધવને ખબર".
પવન ફરી ઉદાસીનતામાં વિલીન થઇ ગયો, પણ પળ વાર બાદ તેણે ફરી સંતને સંબોધન કર્યું, "મહારાજ, મને તે પાછી મળશે તો ખરીને?"
સંતે પવનની આંખોમાં સ્થિરતાપૂર્વક જોયું, "દીકરા, સફળતા તો મને જણાય છે તારા કૌતુકમાં, પણ કશુક નડી જરૂર રહ્યું છે".
પવને ભારે મન સાથે પૂછ્યું, "શું, મહારાજ?"
"તારું એક કર્મ છે જેનો બદલો તારે ચૂકવાવો જ રહ્યો. તે કશુક તો એવું કર્યું છે જેણે એક નિર્મળ આત્માને હદ બાર પીડિત કરી છે".
"મને ખ્યાલ છે, મહારાજ", પવને કબૂલાત કરી. "અને તેનું જ પ્રાયાશ્ચિત કરવા હું આવ્યો છું".
સંતે ફરી એક સ્મિત પ્રજવલ્લિત કરતા કહ્યું, "દીકરા, એક સારું કર્મ એક ખરાબ કર્મને નિષ્ક્રિય નથી કરતુ. તારા કરેલા સો સારા કર્મોનો બદલો સારો જ હશે, પણ એક ખરાબ કર્મ નો બદલો મળશે જરૂર! સંસારમાં સંતુલન બસ આમાં જ જળવાય છે".
"તો શું મને નિશા નહી મળે, મહારાજ?"
"તે તો તારું કર્મ જ નક્કી કરશે, દીકરા", અલગારી એ નિર્ણય આપ્યો અને નિશાનો ફોટો પવનને પરત સોંપતા કહ્યું. "પણ તેનો અર્થ એ નથી કે કર્મ કરવાનું છોડી દેવું. દીકરી ને શોધવાનું ચાલુ રાખ અને બાકી બધું માધવ પર છોડીદે".
બસ એટલું કહી અલગારીએ ત્યાંથી વિદાય લીધી, અને પવન એકીટસે તે ભગવાધારીને ધીરે ધીરે અરવલ્લીનાં જંગલોમાં વિલીપ્ત થતા જોતો રહ્યો.
આપના અભીપ્રાયો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો
ધારાવાહિકની શરૂરાત પ્રકરણ ૧ થી જરૂર કરશો

Comments
Post a Comment