પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં

પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં  

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૩, ગુરુવાર

નિશાએ સ્વપ્નેય ન વિચારેલ કે પવન, કે જે તેને ૯ વર્ષ પૂર્વે છોડીને જતો રહ્યો હતો તેજ તેના માટે એક પત્ર છોડી જશે! કદાચ પ્રણય જ એટલો પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો કે દગો મળેલ નિશા હજુ દગાખોરને ઝંખી રહી હતી અને ગુનેગાર માફી. સત્ય છે કે પ્રભુ સત્યના પારખા લે છે, અને માટે જ આજે ૯ વર્ષ બાદ દગાબાજ પવન એક કાગળ થકી તેની પ્રેયશીને તેની નિર્દોષતાનું પ્રમાણ આપવા જઈ રહ્યો હતો, અને ઘાયલ નિશા પણ, અધીરી થઈને આ દગાબાજ નો પક્ષ લઈ તેનેજ નિર્દોષ ઠેરવવાની તાલાવેલીમાં લાગી હોય એમ કાગળમાં લખેલ એક એક શબ્દને તેની ધ્રુજતી આંગળીઓ દ્વારા સ્પર્શી રહી હતી, જાણે કે તે અક્ષરો નહી પણ ખુદ પવન જ હોય. પીડિત હૃદયનું ઊંડાણ જાણે કે બંડ પોકારી રહ્યું હતું, કેહતું હતું કે આ પત્ર સાક્ષી છે કે તેનો પ્રેયસ દગાબાજ ન હતો, આજે પણ તે આ રાત્રિને તેની બહોપાશમાં ચપોચપ સાચવીને બઠો હતો. 

AI generated image of a women reading and crying with letter
Image credit: AI generated by Co-pilot designer software of Microsoft
"કેમ છે મારી રાત્રિ?"

પવનના આ પ્રારંભિક સંબોધને જ નિશાને હસતા હસતા રોવડાવી દીધી; આંખો એટલીતો ભીની થઇ ગઈ કે ઓરડાના આંશિક પ્રકાશમાં પવનના અક્ષરોને વાંચવા અઘરા થઇ ગયા. તેણે તેની અશ્વભીની આંખોને તેના પાલવથી સાફ કરી, એક ઊંડો શ્વાસ ભર્યો અને કાગળને પલંગ પર સીધો વાંચી શકાય તેમ મુક્યો. પલંગ પર બાજુમાં ન બેસતા નિશા જમીન પર બેસી, જાણે પવન પલંગ પર બેઠો હોય અને તે તેના ચરણો સમક્ષ.  

નિશાએ ફરી અસ્વસ્થ મન સાથે પવનના પત્રને વાંચવાની શરૂઆત કરી. 

"જો આ પત્ર તું વાંચી રહી છું તો સમજજે કે હું આજે પણ તને તેટલો જ પ્રેમ કરું છું જેટલો ૯ વર્ષ પેહલા કરતો હતો. અલબત, મનોહર થકી તારી આપવીતી સાંભળ્યા બાદ મને હવે લાગે છે કે હું તને પ્રેમ નહિ પણ  તારી પૂજા કરું છું. અને આથી જ તું જો મૃગજળ ભલેને હોય, હું તને પામીને જરૂર રહીશ. જોકે હું નથી જાણતો કે તારા જીવન માં હું ક્યાં છું, તને યાદ છું કે તું મને ભૂલી ગઈ છું, અને આ હક પણ હું શાને જતાવી રહ્યો છું?…"

"હું નથી ભૂલી તને…" તેનું અંતઃકરણ દ્રવી ઉઠ્યું અંને આંખોમાંથી મહીસાગર જાણે કે વેહાવા લાગ્યો. "મને હતું જ કે કશુતો એવું બન્યું જ હશે કે તું મને છોડી ગયો, કશુતો એવું હશે જેનો ભાર લાદવો તારા માટે અનિવાર્ય હશે, કોઈતો હશે જ કે જેનાં અસ્તિત્વ એ તને વચનો ભંગ કરવા મજબૂર કર્યો હશે. નવ વર્ષ બાદ આ પત્ર તારી નિર્દોષતા નિશાની છે, પવન". બે ઘડી નિશા એ પત્રને તેની છાતીએ ચાંપ્યો, અને બંધ પણ ભીની આંખોએ પોતાની સાથેજ વાતો કરવા માંડી, પણ જેવી ચિત્તની કમઠાણ શાંત થઈ, તે ફરી પત્ર વાંચવા માંડી. 

"માફ કરજે, નિશા, પણ મને નથી ખબર કે હું ક્ષમાયોગ્ય છું કે નહી, મને નથી ખબર કે હવે તું મારો સ્વીકાર પણ કરીશ કે નહી, કે ના તો મને ખબર છે કે હું હવે તારા માટે તે જ પવન છું કે એક અપ-પુરુષ માત્ર છું. પણ નવ વર્ષ પૂર્વે મેં જે રીતે આપના પ્રણયનો અંત આણ્યો, અને કેમ આણ્યો, તે જાણવાનો તને પૂરો હક છે અને મારી ફરજ…" 

નિશાનો જાણે શ્વાસ જ થંભી ગયો હોય તેમ હૈયું હાથમાં રાખીને પત્રને અપાર આતુરતાથી વાંચવાનું તેણે ચાલુ રાખ્યું. બસ કઈ પણ કરીને પત્રનાં અંતમાં પવનને નિર્દોષ સાબિત કરવો એવી હઠ નાં લીધી હોય જાણે!

"મારી ન્યુક્લિયર સાયન્સનાં સ્નાતકની અંતિમ પરિક્ષાના લીધે હું તને જાન્યુઆરી ૧૯૯૪ ની અમાસે મળવા ન હતો આવ્યો, તને યાદ જ હશે. મને હતું કે એક વૈજ્ઞાનિક બન્યા બાદ હું ફેબ્રુઆરીની અમાસે તને હર્ષોલ્લાસ સાથે મળવા આવીશ અને તારા પિતા પાસે આપના લગ્નનો પ્રસ્તાવ મુકીશ. મને ચોક્કસ પણે વિશ્વાસ હતો કે તારા પિતા મને ના નહિ પાડે, અને સાથે પાછાલા એક મહિના માં હું મારા પિતાને પણ મનાવી લઈશ. આમ પણ મારા સિવાય તેમનું  કોઈ નથી, માં તો મારી પણ નથી તારા જેમ, તું તો જાણે જ છે. બધુજ ખુબ સેહલુ હતું ત્યારે એવું મને લાગતું. પણ, નિશા, પ્રારબ્ધને આપણો પ્રણય જાણે આંખમાં પડેલી ધૂળની જેમ ખૂંચતો હતો…"

નિશાએ પત્ર ઉલ્ટાવ્યો અને અધીરાઈપૂર્વક શેષ વાંચવાનું જારી રાખ્યું; ધબકાર તો હજુ ગતિશીલ જ હતો અને તેવો જ હતો મીઠો આક્રંદ. 

"નિશા, હવે જે હું તને કેહવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તારી ધમનીઓ નું લોહી પણ થીજી જાય… સાંભળ, અંતિમ પરીક્ષા આપીને જ્યારે હું મારા ઘરે અમદાવાદ પોહચ્યો, ત્યાં ઘર બહાર મેં એન્ટી-ટેરેરિસ્ટ સેલનો લાંબોલચક કાફીલો જોયો. લોકલ પોલીસથી માંડીને બધીજ લો-એન્ફોર્સમેન્ટનાં ધાળે ધાળા, પંદરથી વધુ પોલીસ જીપો, બે અરેસ્ટ વાન, ઇન્ટરસેપ્ટર વાન, અને અસંખ્ય સમાચાર મિડીયાનાં ઓફિસરો મારા ઘરની ફરતે ગીધની માફક ફરી રહ્યા હતા. પળભર તો મને મારી આંખો પર ભરોસો જ ના આવ્યો, પણ બાદમાં મારું શરીર ભૂકંપમાં કકડભૂસથતી ઈમારતની જેમ તૂટી પડ્યું કે જ્યારે મેં મારા પિતાને પોલીસની સાંકળોમાં જપ્ત જોયા અને મારી નજરોની સામે અરેસ્ટવાનમાં બેસતા જોયા. ગાંડાઓની માફક કશુજ સમજ્યા જાણ્યા વગર મારા પિતાને રોકવા માટે હું દોડ્યો, પણ બીજી જ ક્ષણે એન્ટી-ટેરેરિસ્ટ સેલનાં બે ઓફિસરોએ બંધૂકની નોક પર મને ત્યાં જ અટકાવી દીધો, અને જો હું કોઓપરેટ નાં કરુ તો મને પણ અરેસ્ટ કરવાની ચીમકી આપી. અસહાય એવો હું, એક અનહદ ધ્રુણાની સાથે અપમાનિત કરતા હોય તેમ મેં મારા પિતાને પોલીસ વાનમાં ઓફિસરો દ્વારા ગોન્ધતા જોયા. મારું દિમાગ સુન્ન પડી ગયું હતું અને શરીર વિકલાંગ. છેલ્લા ૩૦ વર્ષથી સરકારી પ્રેસમાં ચીફ મેનેજર તરીકે કામ કરતા એક સામાન્ય વ્યક્તિને એરેસ્ટ કરવા માટે આટલી પોલીસ, મીલીટરી, એન્ટી-ટેરેરિસ્ટ સેલ! અને અરેસ્ટ પણ શા માટે? માં જીવતી હતી ત્યાં સુધી તેની સાથે પણ ઊંચા અવાજે વાત નથી કરી મારા પિતાએ. તો આવા માણસને સરકાર શા માટે બાનમાં લઈ રહી છે?..."

ત્રમાં જે મનોદશા પવનની હતી કદાચ તેથી પણ વધુ આશ્ચર્યભાવ નિશાના મુખમંડળ પર હતા. અશ્રુભિનું મુખ હવે ચિંતાતૂર હતું અને મનમસ્તક ભોચક્કું! 

"નિશા, આ બધા જ પ્રશ્નોનાં જવાબ છે મારી પાસે હવે, અને તે જણાવવા માટે જ મેં તને આ પત્ર તને લખ્યો છે. જીવનનો આ એવો તો વળાંક હતો મારાં માટે કે જેનો રસ્તો નલિયાથી તદ્દન વિરુદ્ધ દિશામાં હતો; નલીયા આવવું, તને મળવું, અને આપણું અસ્તિત્વ સ્થાપિત કરવું હવે મારા માટે અશક્ય હતું. છતાં હું તને છેલ્લી વાર મળ્યો અને જાણે કે તને દગો કરતો હોય એવો ઢોંગ રચ્યો. હવે મારું શું થવાનું હતું તેની મને નોહતી ખબર અને માટે જ મેં તને મારાથી દુર કરી. નિશા, પછી શું બન્યું, નવ વર્ષ હું ક્યાં હતો, અને હવે હું શા માટે પરત આવ્યો છું, આ બધું હું આ પત્ર દ્વારા જણાવી શકું તેમ નથી, પણ હું આશા રાખું છું કે હું તને શોધી લઈશ અને તને જણાવીશ કે તારો પવન શા માટે દગાબાજ ન હતો અને  શા માટે નવ વર્ષ હું તારા જીવનથી અલિપ્ત રહ્યો. વિશ્વાસ રાખજે આ પત્ર નો એક એક શબ્દ સત્ય છે. હા, તને લાગી શકે કે મેં હજુ તને બધું નથી જણાવ્યું, પણ તેમાં પણ મારી એક મજબૂરી છે. મારું આ વચન છે તને કે જયારે પણ તું મને મળીશ, તને હું સંપૂર્ણ વાત જણાવીશ, પણ હાલ આ વાતને શબ્દોમાં હું વધુ આલેખી નહિ શકું…"

નિશાના ભાલની કળચલીઓ હવે સમાંતર હતી, મુખના ભાવ નરમ હતા, અને તેના હાથની ધ્રુજારી તો નહીવત હતી. પવનની નિર્દોષતાનું પ્રમાણ કદાચ તેને હવે મળી ગયું હતું અને તેનો પ્રેયશ દગાબાજ ન હતો તે જાણી તેની છાતી જાણે ગદગદ હતી. 

"તો મારી, રાત્રિ! રાહ તો જોઇસ ને મારી? કે પ્રારબ્ધે તને પણ કોઈના છેડે બાંધી દીધી છે? જો એવું હશે તો પણ હું તને એક વાર તો ચોક્કસ મળીશ અને નસીબની આ બલીહારીને પણ સ્વીકારી લઈસ. બસ મને સાંભળી લેજે, આ મનનો ભાર એટલો તો વધી ગયો છે કે હવે મારાથી સહન નથી થતો. મને હતું કે નલિયા આવીને હું તારી માફી માંગીશ અને તને બધું જ જણાવીશ, પણ અહી પણ મને માત્ર મૃગજળ જ મળ્યું… નીકળું છું તારી શોધમાં, અને જો આ પત્ર તને મળે તો સમજજે કે તારી શોધ મેં આદરી દીધી છે અને પ્રભુ શ્રી ક્રષ્ણનાં શામળાજીનાં મંદિરે થી તેની શરૂઆત કરી રહ્યો છું. પણ આ પત્ર તને મળશે કે કેમ, ક્યારે મળશે, શું તું મારો વિશ્વાસ કરીશ, શું તું ખરેખર મારી રાહ જોઇસ, અને જો મને તું મળી પણ ગઈ તો શું મને સાંભળીશ? મને કશી જ નથી ખબર. બસ જાણું છું તો માત્ર એટલું કે હું તને મળીશ અને નિસંદેહ મળીશ. બસ શું ત્યારે તારી આંખોમાં ભીનાશ હશે કે લજ્જા, શું તારા હાથ જોડાયેલા હશે કે મને બાહોપાશ્માં જકડાવા ફેલાયેલા હશે, કે શું ત્યારે તારો સ્પર્શ હશે કે પછી અંતર, અને સૌથી જરૂરી…"

નિશાએ સંતાપ સાથે પત્રને પોતાની આંખોની વધુ નજીક કર્યો, જાણે કે માત્ર અક્ષરો જ નહિ પણ લખાણનો અર્થ પણ વિશાળ અને ત્રદ્રશ્ય ન થઈ જવાનો હોય!

"... શું ત્યારે અમાસ હશે? શું રાત્રિ હશે?..."

આ પ્રશ્ન સાથે પત્ર પૂરો થયો અને નિશા નિશબ્દ મૂર્તિની માફક જમીન પર ઢળી પડી. તે સાંજે ઢળતા સૂરજની સાથે જાણે કે તે હરીફાઈ એ ચઢી હોય તેમ જ્યાં સુધી અંધકારે ઓરડામાં સામ્રાજ્ય નાં સ્થાપ્યું ત્યાં સુધી પવનના આ પત્રને નિશા એ લગભગ સો થી વધુ વાર વાંચ્યો, અને શીતળ પવનના સ્પર્શ હેઠળ નિશા તે રાત્રીમાં નિદ્રાહીન થઇ ગઈ… પણ આખી રાત, ઓરડાના દરવાજામાથી પવન તેણે સતત સ્પર્શતો રહ્યો.


આખી વાર્તા શરૂઆતથી વાંચો: પ્રકરણ ૧ થી ૮  

આપના અભિપ્રાયો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો.        

                 


 

  

        

  

Comments

Post a Comment

Popular Posts

A Guide to Minimalism | What to Keep and What to Let Go

How Much Is Enough Money | The Fine Line Between Happiness and Greed!